રઘુવંશી મહિલા મંડળ, દ્વારકા તેમજ શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ, દ્વારકા દ્રારા રાખવામાં આવેલ સંયુક્ત કુટુંબના રઘુવંશી દેરાણી જેઠાણીનું સન્માન નો કાર્યક્રમ ખૂબ જ સરાહનીય છે. તેમજ સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી પણ છે. તેમનો આ કાર્યક્રમ સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રત્યે જાગૃતિ લાવે અને તેમનો આ કાર્યક્રમ પાછળનો આશય સફળ થાય તેવી શુભેચ્છાઓ. આવા સમાજને પ્રેરણારૂપ અને પથદર્શક કાર્યક્રમો અન્ય શહેરોમાં પણ યોજાય. (A program of honoring Raghuvanshi Derani Jethani at Dwarka)
હવે વાત કરીએ વિભક્ત અને સંયુક્ત કુટુંબ વિશે તો પહેલાનો સમય પણ શું સમય હતો, જ્યારે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા, દરેક દિવસ જાણે તહેવાર જેવો, પણ આજના આ આધુનિક સમયમાં લોકો સ્વતંત્રતાથી પોતાની રીતે જીવવા માગતા હોય છે. એટલે લોકો વિભક્ત કુટુંબને વધારે પસંદગી આપતા થઈ ગયા છે, પણ આ એક બાબત માટે થઈને અજાણતા જ લોકો જીવનમાં ઘણું બધું ગુમાવતા હોય છે, જે તેમને સંયુક્ત કુટુંબમાં મળી શકે છે.
વિભક્ત અને સંયુક્ત કુટુંબને એક ઉદાહરણમાં સમજીએ તો,
વિભક્ત કુટુંબ એટલે ટુ વ્હીલર, ડે ચલાવવામાં સરળ પડે અને ટ્રાફિકમાં પણ સરળતાથી નીકળી જાય.
પણ ફોર વ્હીલર એટલે કે સંયુક્ત કુટુંબ જેવી મજા તો ન જ આવે.
જેમ ફોર વ્હીલર ટ્રાફિકમાં સરળતાથી નીકળી ન શકે અને ચલાવવામાં થોડી અઘરી પડે પણ તેના જેવી આરામદાયક સફર ટુ વ્હીલર માં તો ન જ થાય.
તેવી જ રીતે સંયુક્ત કુટુંબમાં ભલે થોડી સહનશીલતા, થોડી ધીરજ, થોડી જતું કરવાની ભાવના કેળવવી પડે, પણ સંયુક્ત કુટુંબ જેવો આનંદ અને આરામ વિભક્ત કુટુંબમાં ન મળે.
પેલી કહેવત છે ને કે, “ઝાઝાં હાથ રળિયામણા.”
સંયુક્ત કુટુંબમાં એકબીજાના સાથ સહકાર દ્રારા રોજબરોજની જિંદગીને એકદમ સરળ બનાવી શકાય છે અને તેમાં પણ આજના આ આધુનિક સમયમાં, જ્યારે સ્ત્રી પુરુષ બંને કમાતા થયા છે ત્યારે ઘરની ને બહારની જવાબદારી વડીલોની છત્રછાયામાં અને ભાઈ-બંધુ ના સહકારમાં જિંદગી ખૂબ જ સરળ અને આનંદમય બની શકે છે.
જ્યારે યુવાનો ના વિચારો અને વડીલોના અનુભવો નો સંગમ થાય ત્યારે જીવનની દરેક પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકાય છે. સંયુક્ત કુટુંબમાં પહાડ જેટલું દુઃખ પણ રાઈ જેટલું લાગે અને રાઈ જેટલું સુખ પણ પહાડ જેટલું લાગે. પેલું કહેવાય છે ને કે, “દુ:ખ વહેંચવાથી ઘટે અને સુખ વહેંચવાથી વધે.”
સંયુક્ત કુટુંબમાં રહેતા દંપતીના બાળકો પોતાના દાદા દાદી ના લાડ, પ્રેમ અને જતન માં ઉછરતા હોય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતા અને જોબ કરતા દંપતીના બાળકો ને આયા ના સહારે ઉછરવું પડતું હોય છે.
પેલું કહેવાય છે ને કે, “નાણાં કરતા વ્યાજ વધુ વ્હાલું હોય છે.” દાદા દાદી દ્રારા થતું પ્રેમ થી બાળકો નું જતન અને તેમના દ્વારા થતું સંસ્કારોનું સિંચન આવો અમૂલ્ય ઉછેર ગમે તેટલા પૈસા આપીને પણ ક્યારેય મેળવી ન શકાય.
અને જો વાત કરીએ દેરાણી જેઠાણી ના સંબંધની તો, જો દેરાણી જેઠાણી એકબીજા ને સમજીને ચાલે તો, એકબીજાના સહકારથી ઘરને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવી શકે છે. ઘણા એવા દાખલા જોવા મળે છે સમાજમાં જ્યાં દેરાણી જેઠાણી વચ્ચે બહેનો જેવો પ્રેમ હોય.
સૌથી છેલ્લી પણ મહત્વની બાબત વિભક્ત કુટુંબમાં ઉછરતા બાળકોમાં શેરીંગ ની ભાવના બહુ ઓછી જોવા મળતી હોય છે, જ્યારે સંયુક્ત કુટુંબમાં ઉછરતા બાળકોમાં શેરીંગ ની ભાવના સાથે અન્ય ગુણો નો પણ વિકાસ થતો જોવા મળે છે.
છેલ્લે માત્ર એટલું જ કહીશ કે સંયુક્ત કુટુંબમાં પ્રેમની સાથે ભલે મીઠી તકરાર હોય પણ સંયુક્ત કુટુંબ એટલે આનંદનો મેળો. સંયુક્ત કુટુંબમાં મતભેદ ભલે હોય પણ મન ભેદ ક્યારેય ન થવા દેવા જોઈએ.
તેમજ આ કાર્યક્રમમાં સન્માનિત થનાર દરેક પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ સમાજ માટે દાખલારૂપ અને પ્રેરણારૂપ છે.
લેખક: જાગૃતિ તન્ના “જાનકી “


