રઘુકુળમાં આપણો જન્મ એ ઈશ્વરને આપણા ઉપર મોટી કૃપા કહેવાય. એક રઘુવંશી તરીકે આપણી ઓળખ એ જ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. ચાલો આપણે આપણા ચારિત્ર્યનું એવી રીતે નિર્માણ કરીએ કે જેથી કરીને આપણી રઘુવંશી તરીકેની ઓળખ ઉપસી આવે.
આ જના સમયમાં યુવાનોમાં મનની નિર્મળતા હોય તે અતિ આવશ્યક છે. મનની નિર્મળતા એટલે કે જેમાં બિલકુલ કપટ નથી. આપણે શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના સંતાન છીએ તો પછી મર્યાદાપણુ આપણાથી કેમ ભુલાય? રામકથા તે માત્ર ભૂતકાળની જ છે. રામાયણમાં વ્યક્ત થતી ઘણી બધી સમસ્યાઓ આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે. રાવણના વધ પછી શ્રી શંકર રામજી ને મળવા આવે ત્યારે કહે છે કે પ્રભુ તમે રાવણને માર્યો પણ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા હૃદયમાં વસેલા રાવણો મર્યા નથી, ત્યાં સુધી સંસારમાં શાંતિ નહી રહે.
આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે કે શ્રીરામની લીલા હજુ પૂર્ણ થઇ નથી, હજી ચાલુ જ છે એ રામાયણ નું રહસ્ય છે. આપણે વિભીષણની જેમ અસત્યનો (રાવણ) આશ્રય છોડવાનો છે.
- રામ, શ્રવણ – પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો.
- રામ, ભરત – ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે.
- સીતા – પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી
- લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી.
- હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.
- સુગ્રીવ – મિત્રતા.
- વાલી, રાવણ – શક્તિનુ અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવુ.
- વાનરો – જો સાથે મળીને કામ કરીએ તો મુશ્કેલ કામ (સમુદ્ર સેતુ) પણ બાંધી શકીએ અને અસત્ય (રાવણ) ને પણ મારી શકીએ.

જો આવી રીતે રામાયણના પાત્રો ને લઈને આપણે આપણા જીવનમાં સુધાર કરીએ ત્યારે આપણામાં રઘુવંશી ચરિત્ર નિર્માણ પામશે. માતા-પુત્ર, પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, ભાઈ-ભાભી, મિત્ર આ તમામ સંબંધો વચ્ચે આપણો વ્યવહાર અને આપણી મર્યાદા થકીજ એક સાચા રઘુવંશી તરીકેનું ચારિત્ર્ય સુગંધ ફેલાવશે. કબીર કહે છે કે રામ ઝરુખે બૈઠ કે સબકા મુજરા લેત, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત. એટલે કે રામ જે ઝરૂખામાં બેઠા છે અને ચાકરો પાસેથી સોપેલા કામનો હિસાબ માંગે છે અને જેણે જેવું કામ કરેલું હોય તે પ્રમાણે તેમને આપે છે. આપણા જીવનના હિસાબમાં ગરબડ હોય તો મુશ્કેલી થવાની જ. જ્યારે આપણે હિસાબ આપવાનો સમય આવશે ત્યારે લાચારીને હાલત અનુભવાશે.
એક રઘુવંશી તરીકે આપણું ચારિત્ર્ય પવિત્ર હોવુ જોઈએ. આપણો સ્વભાવ સ્વસ્થ, શાંત અને સંયમી હોવો જોઈએ. ધનુષ્ય ભંગના પ્રસંગ સમયે પરશુરામજી ક્રોધ કરીને આવે છે ત્યાં રામજીનું વર્તન કેવું હતું? વિચારજો. બસ આ જ શીખવાનું અને જીવનમાં ઉતારવાનું છે. મર્યાદા ધર્મ અનુકરણીય અને અનુસરણીય છે, ચાલો આપણે આને વળગીને ચાલીયે ને જીવન સફળ કરીએ.
જય જલારામ, જય રઘુવંશ